175
EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLDWIDE USA નાં કાર્યક્રમમાં સુરત ના ઊર્જીતા કિનારી વાળા ની રજૂઆત બેએરિયામાં ગુજરાતી ભાષાની અસ્મિતાને ઉજાગર કરતો કાર્યક્રમ:કલમનાં કસબી -મુન્શી જિગીષા પટેલ- કેલિફોર્નિયા આપણી ગુજરાતી ભાષાનાં સાક્ષર અને કલમનાં કસબી એવા શ્રી કનૈયાલાલ મુન્શીની સાહિત્યયાત્રા અને તેમના તેજસ્વી પાત્રોને જીવંત કરતો એક સુંદર કાર્યક્રમ સેનઓઝેમાં ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ને શનિવારે સવારે ‘બેઠક’ સંસ્થાએ યોજ્યો.શબ્દ અને સાહિત્યનાં સ્વામી એવા કનૈયાલાલ માણેકલાલ મુન્શીની બહુમુખી પ્રતિભાને વાચકો સમક્ષ ઉજાગર કરવા રીટાબહેન જાની ‘શબ્દોનાં સર્જન’ બ્લોગ પર ‘કલમનાં કસબી -મુનશી.’ કોલમ લખે છે.બેઠકનાં “વ્યક્તિ અને અભિવ્યક્તિ - શ્રેણી-૫ “કાર્યક્રમમાં મુન્શીજીની ઐતિહાસિક નવલકથા ‘પૃથ્વીવલ્લભ ‘ અને ‘જયસોમનાથ’ નાં પાત્રોને નાટકીય રીતે અભિનય દ્વારા અને નૃત્ય દ્વારા પ્રેક્ષકો સામે વર્ચ્યુઅલી રજૂ કર્યા. મુન્શીજીની ચિરંજીવ યાદોને મમળાવવાની સાથે શરદપૂનમની આગલી રાતને યાદ કરી પ્રજ્ઞાબહેને સૌને તેની વધાઈ પણ આપી. કાર્યક્રમની શરુઆત વાગ્મી કચ્છી દ્વારા પ્રાર્થનાથી થઈ.ત્યારબાદ વૈશ્વી મજમુદારે ‘જદુનંદન’ની શાસ્ત્રીય સંગીતસભર સ્તુતિ ગાઈ.’વાગ્મીએ “શરદપૂનમની રાતમાં ચાંદલિયો ઊગ્યો છે”ગાઈ પૂનમની રાતની ચાંદની પોતાનાં ગીતની મધુરતાથી રેલાવી દીધી.’બેઠક’નાં સંસ્થાપક પ્રજ્ઞા દાદભાવાળાએ સૌ દેશવિદેશનાં શ્રોતાઓને ,કલાકારોને ,અતિથિવિશેષને આવકાર્યા.સાથેસાથે મુન્શીનાં વક્તા રીટાબહેન જાનીને બેઠકનાં શબ્દવૈભવી લેખક તરીકે ઓળખ આપી બોલવા આમંત્ર્યા.રીટાબહેને મુન્શી માટે ૩૮ આર્ટિકલ શબ્દોનાં સર્જન પર લખ્યાં છે.રીટાબહેને, મુન્શીની ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં લડવૈયા,વિદ્વાન ધારાશાસ્ત્રી ,ભારતનાં બંધારણ સભાનાં સભ્ય,કુશળ રાજકારણી ,શિક્ષણવિદ્,ભારતીય વિધાભવનનાં સ્થાપક,પત્રકાર અને ગુજરાતી ,હિન્દી અને અંગ્રેજી ભાષાનાં સાહિત્યકાર તરીકે સાહિત્યસભર ઓળખ કરાવી. ત્યારબાદ ‘લીલોછમ ટહુકો’’વાત તારીને મારી’ અને પડછાયાના માણસ’નાં લેખિકા અને કવિયત્રી જે વ્યવસાયે ક્લીનીકલ પેથોલોજીસ્ટ હતા પણ સાહિત્યમાં ઊંડો રસ ધરાવનાર અને અભ્યાસુ છે તેવા જયશ્રીબહેન મરચન્ટનો પરિચય રાજેશભાઈ શાહે આપ્યો.અતિથિ વિશેષ જયશ્રીબહેન મર્ચન્ટે મુન્શીજીની ઐતિહાસિક નવલકથા ‘જય સોમનાથ’ ની વાર્તા અને તેના પાત્રોની વિશેષતાનો ખૂબ સુંદર પરિચય પ્રેક્ષકોને કરાવ્યો.તેના પાત્રો કેમ આજે પણ લોકમાનસ પર અદકેરું સ્થાન જમાવી બેઠા છે તેની રસાળ રીતે રજૂઆત કરી.’જય સોમનાથ’ નવલકથાનાં પાત્ર ચૌલાનો નૃત્ય સાથેનો અભિનય ઉર્જીતા કિનારીવાલાએ નીવડેલા નર્તકીની અદાથી કર્યો.બેઠકનાં કાર્યક્રમનાં સહઆયોજક જિગીષા પટેલે ઉર્જીતાબહેન કિનારીવાળાનો પરિચય આપ્યો.ઉર્જીતાબહેન ૩૨ વર્ષથી સૂરતમાં ‘નૃત્યમ્ નાટ્યમ્ એકેડેમી ‘ચલાવે છે અને નૃત્યાંગનાની સાથે સાથે અભિનેત્રી,લેખિકા,કવિયત્રી જેવું મેઘધનુષી વ્યક્તિત્વ ધરાવે છે.તેમણે અનેક પુરસ્કારો અભિનય અને નર્તન ક્ષેત્રમાં મેળવ્યા છે.ત્યારબાદ જયશ્રી બહેને તેમની સાહિત્યિક પરિભાષામાં કનૈયાલાલ મુન્શીની ‘પૃથ્વીવલ્લભ ‘ નવલકથાનો સારાંશ અને તેના મુંજ અને મૃણાલ જેવા ઉત્કૃષ્ટ પાત્રોનો પરિચય કરાવી શ્રોતાઓને આ પાત્રોનો અભિનય જોવા આતુર કરી દીધાં. ઉર્જીતાબહેને ફૂલોનાં શણગાર સજી આછી ગુલાબી સાડી પરિધાન કરી મૃણાલનાં પાત્રને પોતાની વેશભૂષા થકી જ જીવંત કરી દીધું.તેમના અભિનયે મૃણાલવતીના પાત્રને નજર સમક્ષ રમતું કરી દીધું.મુંજનાં પાત્રમાં અનેક નાટકોમાં અભિનય કરી ચૂકેલા મૌનિક ધારિયાએ ગળામાં સાંકળ અને દોરડા ,કપાળ પર ત્રિપુંડ અને બંદીરાજાની વેશભૂષામાં ,વર્ચ્યુઅલ ઘરમાં રહી ભજવેલ નાટકમાં ,સ્ટેજનો અનુભવ કરાવ્યો.મૌનિકે જ્યારે “એક સરખા દિવસ સૌનાં સુખનાં જાતા નથી” અને “હ્રદયનાં શુધ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછા છે” ગાયું ત્યારે સૌ પ્રેક્ષકો અમેરિકામાં રહીને જૂની રંગભૂમિનાં અશરફ ખાનને યાદ કરી મૌનિક સાથે જ આ ગીતો ગુનગુનાવવાની મઝા લઈ રહ્યા હતાં.કલ્પના રઘુએ મૌનિકની અભિનય કળાને બિરદાવતો તેનો સુંદર પરિચય પણ પ્રેક્ષકોને કરાવ્યો. ત્યારબાદ વાગ્મીએ માતાજીનો સુંદર ગરબો ગાયો તો ધવલ મજમુદાર અને વૈશ્વી મજમુદારની પિતા-પુત્રીની જોડીએ સંગીતની રમઝટ સાથે”આજ ગગનથી ચંદન ઢોળાય...સૈયર મને આસોનાં ભણકારાં થાય” ગાઈને વાતાવરણ ગરબામય કરી દીધું. પ્રજ્ઞાબહેને સૌ કલાકાર,અતિથિવિશેષ અને શ્રોતાઓનો આભાર માન્યો.નૈમેષભાઈ અનારકટે ટેકનીકલી ઝૂમને સંભાળ્યું હતું તો રઘુભાઈ શાહે સૌને કેમેરામાં કંડાર્યા હતા.અમેરિકામાં રહી ગુજરાતીઓ ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારોને કેવી સુંદર રીતે ઉજાગર કરી ગુજરાતીભાષાની અસ્મિતાને ઉજાગર કરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
2020-11-09 03:12:54