21
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં થયેલા વ્યાપક વરસાદની સ્થિતિની સમીક્ષા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં રાત્રે જાતે જઇને કરી ▪દક્ષિણ-ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાના કલેકટરો સાથે ટેલીફોનીક સંપર્ક કરી વિગતો મેળવી માર્ગદર્શન આપ્યું ▪રાજ્યમાં શનિવાર રાત સુધીમાં સરેરાશ ૫૫ ટકા વરસાદ વરસ્યો-માત્ર ૧૪ તાલુકાઓમાં ૧૨૫ મી.મી.થી ઓછો વરસાદ ▪૬ હજાર લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું ▪ વડોદરા શહેરમાં સફાઇની કામગીરી વ્યાપક-૧૨૫ ટીમ ૧૨૦૦ મે.ટનથી વધુ કચરો એકત્ર કરાયો ▪વડોદરામાં આગામી સોમવાર સુધીમાં સ્થિતિ પૂર્વવત કરી શાળા કોલેજો શરૂ કરી દેવાશે ▪ આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહીના પગલે સમગ્ર તંત્રને હાઇ એલર્ટ - સતર્ક રહેવા મુખ્યમંત્રીશ્રીની તાકિદ ************ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં થયેલા વ્યાપક વરસાદની સ્થિતિની સમીક્ષા શનિવારે મોડી રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાતે જઇને કરી હતી અને જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને ખેડા અને નવસારી જિલ્લામાં આજે શનિવારે થયેલા ભારે વરસાદની સ્થિતિ અંગે વિગતો મેળવી હતી તથા દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લાની વરસાદી સ્થિતિથી પણ તેઓ વાકેફ થયા હતા. તેમણે હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ભારે વરસાદની આપવામાં આવેલી આગાહીના પગલે આ જિલ્લાના કલેકટરોને સંપૂર્ણ સતર્ક અને સજાગ રહેવાની તાકિદ કરી હતી. જરૂર જણાયે નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના પણ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ સુરતમાં કિમ તથા નવસારીમાં અંબિકા અને પૂર્ણા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે તે સંજોગોમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની જિલ્લા તંત્રની કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહ, મહેસુલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સમગ્ર રાજ્યમાં શનિવારે રાત્રે આઠ વાગ્યા સુધી થયેલા વરસાદની વિગતો મેળવી હતી. રાજ્યમાં હવે માત્ર ૧૪ તાલુકાઓમાં ૧૨૫ મી.મી.થી ઓછો વરસાદ વરસ્યો છે. સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ ૫૫ ટકા વરસાદ થયો છે, તેમ આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સમીક્ષા બેઠક બાદ પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શનિવારે સવારથી જ સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સુરતના માંગરોળ અને ઓલપાડમાં ભારે વરસાદથી પાણી ભરાવાની સ્થિતિ હતી જે કિમ નદીમાં પાણી વહી જતા હવે સામાન્ય થઇ છે. મધ્ય ગુજરાતના ખંભાત તાલુકામાં ૪ કલાકમાં ૧૮ થી ૧૯ ઇંચ વરસાદ વરસ્યો છે તે સાથે આણંદ, નડિયાદ સહિત એક સાથે વ્યાપક વરસાદ થવાથી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે. .. શ્રી રૂપાણીએ કહ્યું કે, સમગ્ર રાજ્યમાં ૬ હજાર જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત-કચ્છમાં પણ વ્યાપક વરસાદની સંભાવનાઓ જોતાં રાજ્ય સરકારે સમગ્ર તંત્ર હાઇ એલર્ટ પર મૂક્યું છે. એટલું જ નહીં એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયરબ્રિગેડ સહિતની ટીમો બચાવ-રાહત કામો માટે ખડેપગે રાખી છે. મુખ્યમંત્રીશ્રીએ વડોદરા શહેરની સ્થિતિ વિશેની વિગતો આપતાં ઉમેર્યું કે, વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પાણી લેવલ ઘટી રહ્યું છે. શહેરમાં સફાઇની કામગીરી શુક્રવારની રાત્રીથી જ વ્યાપક બનાવવામાં આવી છે અને ૧૨૫થી વધુ ટીમો કાર્યરત કરીને ૧,૨૦૦ મે.ટન કચરો એકત્ર કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં આગામી સોમવાર સુધીમાં સ્થિતિ પૂર્વવત થઇ જશે અને શાળા કોલેજો પણ શરૂ કરી દેવાશે તેમ તેમણે જણાવ્યું હતું. શહેરમાં આ વરસાદથી થયેલી નૂકશાનીના કિસ્સાઓમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની નિયમાનુસારની સહાય સરકાર આપશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. **********
2019-08-03 02:20:43