1031
EXOTIC NEWS શહેરના બમરોલી વિસ્તારમાં આવેલી હરિઓમ ઇન્ડસ્ટ્રીના એક વીવીંગ યુનિટમાં વીજ કરંટ લાગતા એક કારીગરનું મોત થયું હતું. કારીગરનું મોત થયાની જાણ થતા જ આ વિસ્તારના અન્ય યુનિટના કારીગરો એકત્ર થઇ ગયા હતા અને તેમણે આસપાસના યુનિટો બંધ કરાવીને હોબાળો મચાવ્યો હતો. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જો કે, રોષે ભરાયેલા કારીગરોએ પથ્થરમારો કરીને મરનાર કારીગરને વળતર અપાય પછી જ લાશ ઉચકવાનો આગ્રહ રાખીને શબ વાહીનીના કાચ તોડી નાંખ્યા હતા. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડીને હળવો લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટના અંગે મળતી વિગતો અનુસાર, શહેરના બમરોલી વિસ્તારમાં આવેલા હરિઓમ ઇન્ડસ્ટ્રીના એક વીવીંગ યુનિટમાં દયા મોહન ગોડ નામના એક ઓરિસ્સાવાસી કારીગરનું કારખાનામાં વીજ કરંટ લાગતા મોત થયું હતું. એક કારીગરનું મોત થયું હોવાની જાણ થતા આસપાસના યુનિટોમાં કાર કરતા પાવર લુમ્સ યુનિટના કારીગરોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ટોળાએ એવી માંગણી કરી હતી કે, મરનાર કારીગર દયા મુળ ઓરિસ્સાનો વતની છે અને તેની લાશને અંતિમ વિધી માટે તેના વતનમાં લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવે ઉપરાંત કારીગરના પરિવારને રૂપિયા 10 લાખ વળતર પેટે આપવામાં આવે ત્યાર પછી જ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે આ સ્થળ પરથી લઇ જવા દેવામાં આવશે. પોલીસને આ અંગે જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી તેમજ તેમણે કારીગરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે શબ વાહિની માટે ફોન કરતા બમરોલીના હરિઓમ ઇન્ડસ્ટ્રીમાં જે યુનિટમાં ઘટના બની હતી ત્યાં શબ વાહિની આવી હતી પરંતુ કારીગરો રોષમાં હોવાથી તેમણે શબ વાહિની પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. ઉપરાંત પોલીસ ઉપર પણ પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી હોવાનું લાગતા પોલીસ દ્વારા કારીગરોના ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા બાદમાં લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો હતો. શહેરના લિંબાયત, ઉધના, ઉમરા, સચિન સહિતના વિસ્તારમાંથી પણ પોલીસ અધિકારીઓને પાંડેસરા બોલાવી લેવાયા હતા અને પોલીસે ભારે મથામણ બાદ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. હાલમાં બમરોલી વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે અને મરનાર કારીગરની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
2019-07-12 01:27:51